ભારત વર્ષમાં હાલ ચોર્યાસી પ્રકારના બ્રાહ્મણો વસવાટ કરી રહ્યા છે. મૂળરાજ સોલંકીના અણહિલપુર પાટણના રાજયમાં રૂદ્રમાળની રચના કરી તેના ખાતમુહૂર્ત સમયે ઉત્તર ભારતમાંથી એક હજાર (સહસ્ત્ર) વેદોકત વિધિ કરાવી શકે તેવા મહા વિદ્વાન બ્રાહ્મણો શોધી લાવવાની જરૂરીયાત ઊભી થઈ. તેના અનુસંધાને રાજસેવકો ઉત્તરાખંડ તરફ ગયા અને વિદ્વાન બ્રાહ્મણોને શોધીને લાવ્યા. તેના સંપૂર્ણ ઈતિહાસ અત્રે પ્રસ્તુત કરેલ છે.
અખંડ ભારત વર્ષમાં બ્રહ્માજીના મુખ દ્વારા પ્રગટ થયેલા બ્રાહ્મણોના હાલમાં ચોર્યાસી કુળ અસ્તિત્વમાં છે, તેની સંપૂર્ણમાહિતી તથા તેમાં ગુજરાત પ્રદેશમાં વસતા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણો કયાંથી આવ્યા, કેમ આવ્યા, કોણે વસાવ્યા તેનો સંપૂર્ણ ઐતિહાસિક લેખ.
યોગમાયા શિવાદેવીની પ્રેરણાથી વિશ્વનું સર્જન કરવા સારૂ સર્વ પ્રથમ પિતામહ બ્રહ્માજીએ ચાર પુરૂષો પ્રગટ કર્યા. પોતાના મુખ દ્વારા પ્રગટ કર્યા તે બ્રાહ્મણ કહેવાયો, હાથ દ્વારા પ્રગટેલ ક્ષત્રિય, પેટ દ્વારા પ્રગટેલ વૈશ્ય એન પગ દ્વારા પ્રગટેલ શુદ્ર તરીકે માનવો ઓળખાયા. આમ ચાર અંગો દ્વારા પ્રગટેલ માનવોના ચાર વર્ણ સર્વ પ્રથમ શરૂ થયા. જેની સાક્ષી શ્રુતિ-સ્મૃતિ અને વેદ પુરાણો આપી રહ્યા છે.
આ રીતે બ્રહ્માજીના મુખ દ્વારા પ્રગટ થયલે બ્રાહ્મણ જાતિ પ્રથમ એક હતી, કાળે કરી સૃષ્ટિમાં માનવ વસ્તી વધતી ગઈ તેમ બ્રાહ્મણો પણ વધતા ગયા. તેમાંથી કેટલાક બ્રાહ્મણો ગૌડ પ્રદેશમાં વસ્યા, કેટલાક દ્રવિડ પ્રદેશમાં વસ્યા તેથી બ્રાહ્મણોના બે પ્રકાર થયા,એક ગૌડ બ્રાહ્મણો બીજા દ્રવિડ બ્રાહ્મણો. ત્યારબાદ ઘણો કાળ જતાં બ્રાહ્મણોની વસ્તી પણ વધી તે આર્યાવર્તના દસ પ્રદેશમાં વહેંચાયા. તેથી તેમના દસ પ્રકાર નોંધાયા, તેમાંથી પણ વૃદ્ધિ થતાં હાલમાં તેના ચોર્યાસી પ્રકારના બ્રાહ્મણો બન્યા તેથી આજે તમામ બ્રાહ્મણોને જમાડવા હોય તો “ ચોર્યાસી ” જમણવાર તરીકે ઓળખાય છે.
સર્વ પ્રથમ પ્રગટેલ તે બ્રાહ્મણ કહેવાયો, તેના બે ભાગ થયા તે દ્રવિડ અને ગૌડ કહેવાયા. તેના દસ વિભાગ નીચે પ્રમાણેના થયા દ્રવિડ વિભાગમાં (૧) કર્ણાટક (૨) તલંગ (૩) દ્રવિડ (૪) મહારાષ્ટ્ર (૫) ગર્જર ગૌડ વિભાગમાં (૧) સારસ્વત (૨) કાન્યકુવજ (૩) ગૌડ (૪) ઉત્કલ (૫) મૈથિલ ઉપરના દસ વિભાગના ચોર્યાસી કુળના બ્રાહ્મણો બન્યા જે નીચે પ્રમાણે છે.
૧. ઔદિચ્ય ટોળક ૨. ઔદિચ્ય સહસ્ત્ર ૩. શ્રીમાળી ૪. ભાગડ ૫. સિંધ ૬. ત્રિવેદી મોઢ છ. ચતુર્વેદી મોઢ ૮. મલ્લ મોઢ ૯. ઈર્ગાસણામોઢ ૧૦. ઘેનોજા મોઢ ૧૧. ખડાયત ૧૨ બાજ ખેડાયત ૧૩ ભીતર ખેડાયત ૧૪. અંતર્વેદી ૧૫. જાંબુ ૧૬. બાયડા ૧૭. કંડોલ ૧૮. ઝારોલ ૧૯. ગાલબ ૨૦. ઉનેવાલ ૨૧. ગિરનારિ ૨૨. ગુંગલી ૨૩. શ્રી ગૌડ જુના ૨૪. શ્રી ગૌડ નવા ૨૫. મેડતવાલ ૨૬. ઔદુબલ ૨૭. કોપીન્થ ૨૮. વટમૂલ ૨૯. સૃગાલવાટ ૩૦. પાલ ૩૧. સોતાલે ૩૨. સીરમોતાલા ૩૩. કર્ણાટક ૩૪. છ પ્રકારના તલંગણ ૩૫. નિયોગી ૩૬. પંદર પ્રકારના દ્રવિડ ૩૭. મહારાષ્ટ્રી ૩૮. ચીત પાવન ૩૯. કારાષ્ટ્ર ૪૦. ત્રિહોત્ર ૪૧. દશ ગોત્ર ૪૨. દવા ત્રીસ ગ્રામી ૪૩. પાતીત્ય ગ્રામી ૪૪. મિથુનહાર ૪૫. વેલંજી ગ્રામી ૪૬. ગૌરાષ્ટ્રી ૪૭. કેરલ બ્રાહ્મણ ૪૮. તુલવ બ્રાહ્મણ ૪૯. નૈબુરૂ બ્રાહ્મણ ૫૦. હૈવ બ્રાહ્મણ ૫૧ ચંબારાદિ બ્રાહ્મણ ૫૨. કદાવ બ્રાહ્મણ ૫૩. કેઢાલ બ્રાહ્મણ ૫૪. શિવલ્લી બ્રાહ્મણ ૫૫. દીશાવાલ ૫૬. ભટ્ટ મેવાડા ૫૭. ત્રિવેદી મેવાડા ૫૮. ચાર્યાસી મેવાડ ૫૯. છ પ્રકાર વડનગરા નાગર ૬૦. વિસનગરા નાગર ૬૧. સાઠોદરા નાગર ૬૨. ચિત્રોડે ભારડનાગરા ૬૩. પ્રશ્નોરે નાગર ૬૪. ગૌડ બ્રાહ્મણ ૬૫. માલવી ગૌડ ૬૬. શ્રી ગૌડ ૬૭. ગંગાપુત્ર ગૌડ ૬૮.હરિયાણી ગૌડ ૬૯. વાશિષ્ટ ગૌડ ૭૦.સૌરભ ગૌડ ૭૧. દાલભ્ય ગૌડ ૭૨. મુખસેન ગૌડ ૭૩. ભટનાગર ગૌડ ૭૪. સૂર્યધ્વજ ગૌડ ૭૫. મથુરાના ચોબા ૭૬.વાલ્મિકી બ્રાહ્મણ ૭૭. રાયકવાલ બ્રાહ્મણ ૭૮. ગોમીત્ર બ્રાહ્મણ ૭૯. દાયમાં બ્રાહ્મણ ૮૦. સારસ્વત બ્રાહ્મણ ૮૧. કપિલ બ્રાહ્મણ ૮૨. તલાજીયે બ્રાહ્મણ ૮૩. ખેવે બ્રાહ્મણ ૮૪. નારદી બ્રાહ્મણ.
ઉપર પ્રમાણેના હાલમાં ભારતભૂમિ ઉપર ચોર્યાસી પ્રકારના બ્રાહ્મણો વસી રહ્યા છે. આ હકીકત બ્રાહ્મણોત્પત્ત માર્તન્ડ નામનાસંસ્કૃત ગ્રંથ ઉપરથી તૈયાર કરેલી છે. હવે આ ચોર્યાસી પ્રકારના બ્રાહ્મણો પૈકી ગુજરાતમાં સ્થિર થયેલા ઔદિચ્ય ટોળક તથા સહસ્ત્ર બ્રાહ્મણો કયા પ્રદેશમાંથી આવ્યા, કોણે વસાવ્યા તેઓ ટોળક તથા સહસ્ત્ર કેમ કેહેવાય. પહેલું-બીજું સ્થાન ચોર્યાસીમાં કેમ મળ્યુ તે ઈતિહાસ તપાસીએ.
આર્યવર્ત (ભારત)માં અરવલ્લીથી વિંધ્યાચળ પહાડની વચ્ચેનો પ્રદેશ અગાઉ ઉત્કોટક પ્રદેશ કહેવાતો હતો. આ પ્રદેશ વચ્ચે વિક્રમ સંવત ૮૦૨માં વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણ શહેર વસાવી આ સમગ્ર પ્રદેશને ગુર્જર પ્રદેશ જાહેર કર્યો ત્યાંથી ગુજરાત રાજય અસ્તિત્વમાં આવ્યું.
વિક્રમ સંવત ૧૦૫૩ના અરસામાં ગુર્જર પ્રદેશમાં ચામુંડ પાટણ પતિ તરીકે રાજય ચાલવતા હતા. તે સમયની આ હકીકત છે. ચામુંડ રાજાની માનીતી ઘોડીને તેનો રક્ષક નદી ઉપર પાણી પાવા લઈ જતો હતો. ઘોડી ગર્ભવતી હતી તે તોફાને ચઢી તેથી રક્ષકે તેના પેટ ઉપર જોરથી લાઠી ફટકારી.
આ સમયે પૂર્વ પ્રદેશના બે રાજકુમારો દેશાટને નિકળેલા હતા તે રાજકુમાર અને બીજેએ આ જોયુ. રાજકુમારે રક્ષકને કહ્યું “ભાઈ આ તેં ઘણું જ ખરાબ કૃત્ય કર્યું છે. આ ઘોડીના પેટમાં જે વછેરૂ છે તેની એક આંખ તારી લાઠીના પ્રહારે ખલાસ થઈ ગઈ. વછેરૂ એક આંખે આંધળું થઇ ગયું” રક્ષકે રાજમાં જઇ ચામુંડ રાજને આ હકીકત જણાવી તેથી ચામુંડ રાજે બન્ને ભાઈઓને મહેલમાં તડાવી મંગાવ્યા. રાજાના મહેમાન બનાવી રાખ્યા. સમય જતાં ઘોડીએ વછેરાને જન્મ આપ્યો, ખરેખર આ વછેરાની એક આંખ ફુટેલી હતી તેથી રાજની અશ્વ વિદ્યા ઉપર ખુશ થઈ ચામુંડ રાજે પોતાની પુત્રી પરણાવી.
આ પુત્રીને સમય જતાંએક રાજકુવર જન્મ્યો. તે મૂળ નક્ષત્રમાં જન્મ્યો હોઈ તેનું નામ મૂળરાજ પાડયું. ચામુંડ રાજનો વધ કરી મૂળરાજ ગાદી ઉપર બેસી ગયો. ગુજરાતની ગાદી ચાવડા વંશમાંથી સોલંકી વંશની બની. ગાદી ઉપર આરૂઢ થયા પછી મૂળરાજ સોલંકીએ રાજ પુરોહિતને મામાની હત્યાનું પ્રાયશ્ચિત પૂછ્યુ. પુરોહિત આર્યવર્તના ચાર ધામની યાત્રા કરવા અને યાત્રા બાદ સહસ્ત્ર વિદ્વાન બ્રાહ્મણોને ગ્રામદાન કરવા સલાહ આપી.
તે પ્રમાણે મૂળરાજ મહારાજ ભારતનાં ચાર ધામની યાત્રાર્થે ગયા. મહારાષ્ટ્રમાં ઈલોરાગઢ (ઈલોરાની હાલની ગુફાઓ) પાતાળ રસ્તે રૂદ્ર મહાલય જોયો. (ઈલોરાની ગુફાઓ પૈકીની કૈલાસ ગુફા રૂદ્ર મહાલાય ગણાય છે.) તેની પ્રતિકૃતિ ગુજરાતમાંશ્રી સ્થળ (સિધ્ધપુર)માં બાંધવાનો સંકલ્પ કર્યો.
પાટણ રાજય પુરોહિતની સૂચના પ્રમાણે મૂળરાજ દેવે રૂદ્રમાળા માટે દ્વારકા થી દેવઘર શિલ્પીને તેના પુત્ર હિરાધર શિલ્પી સાથે તેડાવી મંગાવ્યા અને તેઓએ ગુજરાતની પવિત્ર નગરી સિધ્ધપુર (શ્રી સ્થળ)ની જગ્યા કે જે સરસ્વતી નદીનાકાંઠા ઉપર પસંદ કરવામાં આવી અને તેના ખાતમુહૂર્ત સમયે ઉત્તર ભારતમાંથી એક હજાર પવિત્ર વેદોકત વિધિ કરી શકે તેવા મહા વિદ્વાન બ્રાહ્મણો શોધી લાવવા પોતાના રાજય સેવકોને ઉત્તરાખંડ રવાના કરવામાં આવ્યા અને સેવકો ને રાજાએ આજ્ઞા આપી હતી કે તમામ ઋષિ સ્વરૂપના વેદપાઠી બ્રાહ્મણોને તેમના પરિવાર સાથે માન ભેર તેડી લાવવા. તે આજ્ઞા પ્રમાણે રાજ સેવકો નીચે પ્રમાણે ઉત્તર પ્રદેશના સ્થાનકોમાંથી ૧૦૧૬ પવિત્ર વેદાન્તી બ્રાહ્મણોને તેમની પત્ની અને પરિવાર સાથે આમંત્રી લાવ્યા.
કયા પ્રદેશના કેટલા બ્રાહ્મણો આવ્યા તેની વિગત નીચે પ્રમાણે છે.
૧) પ્રયાગ ક્ષેત્રમાંથી કુલ બ્રાહ્મણ ૧૦૫
૨) ચ્યવન ઋષિના આશ્રમમાંથી ૧૦૦
૩)સરયૂ કીનારેથી ૧૦૦
૪) કાન્ય કુબ્જ પ્રદેશમાંથી ૨૦૦
૫) કાશી ક્ષેત્રથી ૧૦૦
૬) ઉત્તર કુરૂક્ષેત્ર પ્રદેશમાંથી ૭૯
૭) ગંગા દ્વારા પ્રદેશમાંથી ૧૦૦
૮) નૈમિષારણ્યથી ૧૦૦
૯) દક્ષિણ કુરૂક્ષેત્રતી ૧૩૨
ઉપરના તમામ બ્રાહ્મણો અન્યાચક વ્રત ધારી હતા. રૂદ્ર મહાલયનું ખાત પૂજન વેદોકત પધ્ધતિથી શ્રધ્ધાપૂર્વક કરાવ્યુ. પરંતુરાજાએ દાન દક્ષિણા આપવા માંડી ત્યારે આ બ્રાહ્મણોએ પોતે અન્યાચક્ર વ્રત ધારી હોવાથી દાન દક્ષિણા સ્વિકારવાની ના પાડી. રાજાએ દાનનો સંકલ્પ કર્યો હતો ઉપરાંત મામાની હત્યાનું પ્રાયશ્ચિત દાન આપ્યા સિવાય થાય નહિ તેથી તેણે ખૂબ વિનંતી કરી પણ બ્રાહ્મણો માન્યા નહિ. આખરે મહાઅમાત્યે બ્રાહ્મણોને નમ્રતા પૂર્વક પ્રાર્થના કરી અમારા રાજયની એક વર્ષ સુધી આપ સર્વે મહેમાનગતિ સ્વીકારો અને આપનાં પવિત્ર ચરણોની અમોને સેવા કરવાનો લાભ લેવા દો.
બ્રાહ્મણો સંમત થયા અને પાટણ નગરીમાં આશ્રમ સ્થાપી બધા ૧૦૧૬ બ્રાહ્મણોએ વાસ કર્યો. શ્રાવણ માસ આવ્યા ગાયત્રી ઉપાસના માટે સર્વ બ્રાહ્મણો સિધ્ધપુર ગયા પરિવાર ત્યાં રહ્યો. શીતળા સાતમનો દિવસ સ્ત્રીઓને નદીમાં નહાવાનું પર્વ ગણાય છે.
આ બ્રાહ્મણ સ્ત્રીઓ પાટણ નગરી બહાર સરસ્વતી નદી તરફ સ્નાન કરવા ગઈ તેજ સમયે રાજરાણી, અમાત્ય પત્ની, સેનાપતિની પત્ની તથા બીજી સંખ્યા બંધ નગર શ્રેષ્ઠી ઓની પત્નીઓ પણ શીતળાસાતમ હોવાથી નદીએ સ્નાન માટે ગઈ. બ્રાહ્મણ સ્ત્રીઓ સ્નાન કરી રહી હતી. તેઓ બધાં બહાર આવ્યાં તેમને આ રાજય પરિવારની સ્ત્રીઓએ પોતાનાં વસ્ત્રો-ઘરેણાં સાચવવા આપ્યાં અને નદીમાં સ્નાન કરવા લાગ્યા.સ્ત્રી જાતિ ગરીબ હો કે તવરંગ તમામને આભૂષણ ખૂબ ગમે .
સીતાજી જેવા ભગવતી પણ સુવર્ણમૃગની કુંચકી બનાવવા ઉત્કંઠા કરી ઉઠયાં હતાં તો પછી આ તો બ્રાહ્મણ સ્ત્રીઓ, કદી આવા કિંમતી વસ્ત્રો આભૂષણો જોયેલો જ નહિ તેથી તેમના હૃદયમાં આ બધું પહેરી જોવાના કોડ જાગ્યા તેથી સર્વેએ તે વસ્ત્રો આભૂષાણો, પોતાના શરીર ઉપર ધારણ કરી એક બીજાને કેવાં દેખાય છે તે વાર્તા વિનોદમાં પડયાં, રાજ પરિવારની સ્ત્રીનો સ્નાન વિધિ પતાવીને આવી. બ્રાહ્મણ સ્ત્રીઓએ આભુષણો ઉતારીને સુપ્રત કરવા માંડયાં. ત્યારે રાજરાણીએ કહ્યું આ આભૂષણો હવે અમારાથી પાછાં લેવાય નહીં અમને મહાપાપ લાગે માટે તમો આ તમામ વસ્ત્રાભૂષણો હવે તમારી પાસે જ રાખો. અમારાથી બ્રાહ્મણને અર્પણ થયેલ ચીજ પાછી લેવાય જ નહીં બ્રાહ્મણ સ્ત્રીઓ રાજી થઈ ગઈ આશ્રમે આવી દરરોજ
વસ્ત્રાભૂષણો પહેરાવા લાગી, શ્રાવણ માસ પૂરો થતાં સર્વે બ્રાહ્મણો સિધ્ધપુરથી પાટણ આવ્યા. તેમણે આ બધું જોયું અને ક્રોધ ભરાયા. પોતાની સ્ત્રીઓના કૃત્યથી અ-યાચક વ્રત ખંડિત થયું તેથી રાજ પરિવારને શ્રાપ આપવા તૈયાર થયા ત્યારે બ્રાહ્મણ સ્ત્રીઓએ વિરોધ કરતાં કહ્યું, આમાં રાજ પરિવાર નિર્દોષ છે અમારાં ચિત્ત લોભાયાં. હવે જો તમો શ્રાપ આપશો તો અમે તમામ સ્ત્રી બાળકો નદીમાં ડૂબી આપધાત કરીશું અને તમોને સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત આપશું. બ્રાહ્મણો મુઝવણમાં મુકાઈ ગયા. રાજા પાસે જઈ કહ્યું કે રાજન ! અમો હવે અ-યાચક રહ્યા નથી અમારાં વ્રત તુટયા છે તેજ યુકિત કરી અમારી સ્ત્રીઓ મારફત આવુ કરાવ્યું છે માટે હવે અમારાથી ઉત્તરાખંડમાં પાછું જવાશે નહીં. તેથી તું અમો સર્વને વસવા માટે ગ્રામ દાન આપ અને તારો આગલો દાન આપવાનો સંકલ્પ પૂરો કર.
તરત જ રાજા મૂળરાજે પોતાના રાજય પુરોહિતને બોલાવી ગ્રામ દાનનો સંકલ્પ મૂક્યો. તે વખતે ૧૦૧૬ બ્રાહ્મણોમાંથી સોળ બ્રાહ્મણો જે અવિવાહિત હતા અને તેમને સ્ત્રી-પુત્રો હતા નહિ. તેવા સોળ બ્રાહ્મણો ટોળું વળી જુદા જુદા બેઠા અને દાન નહીં સ્વીકારવાનું નકકી કર્યુ. કારણ કે તેમનું અ-યાચક વ્રત તૂટયુ ન હતું. તેથી આ સોળ બ્રાહ્મણો ઔદિચ્ય-ટોળકીયા કહેવાયા અને એક સહસ્ત્ર બ્રાહ્મણોએ ગામ દાન સ્વીકાર્યું. તેથી ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ તરીકે આ દિવસથી ઓળખાયા. મૂળરાજ દેવે સિધ્ધપુર આજુબાજુનાં ગામો પાંચસો બ્રાહ્મણોને કાઠિયાવાડમાં શિહોર શહેર અને આજુબાજુના ગામો આપ્યાં.
તેથી પાંચસો બ્રાહ્મણો ઔદિચ્ય સહસ્ત્ર સિધ્ધપુર સંપ્રદાયના અને પાંચસો બ્રાહ્મણો શિહોર સંપ્રદાયના ઔદિચ્ય સહસ્ત્ર તરીકે પ્રખ્યાત થયા. સિધ્ધપુર શહેર એકવીસ પવિત્ર ઋષિ સ્વરૂપ બ્રાહ્મણોને આપેલું અને શિહોર નગર દસ પવિત્ર બ્રાહ્મણોને આપ્યું. સિધ્ધપુર આજુ બાજુનાં૧૭૧ ગામો ૪૭૯ બ્રાહ્મણોને આપ્યાં (સિધ્ધપુર ૨૧+ ૪૭૯ = ૫૦૦ બ્રાહ્મણ) શિહોર આજુ બાજુનાં ૮૧ ગામ ૪૯૦ ગામ બ્રાહ્મણોને આપ્યાં. (શિહોર ૧૦+૪૯૦ = ૫૦૦) આમ એક હજાર બ્રાહ્મણોને બસો ચોપન ગામ આપ્યાં. ટોળક બ્રાહ્મણોએ રાજા આગળપાછળથી દાન સ્વીકારવા તૈયારી બતાવી. તેથી મૂળરાજ દેવે આ સોળ ટોળક બ્રાહ્મણોને ખંભાત પરગણાનાં ગામો દાનમાં આપ્યાં. આમ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણો અને ટોળકિયા બ્રાહ્મણો એક જ છે. આ તેમની ઉત્પત્તિનો ઈતિહાસ છે.